ભારે વરસાદને લીધે સૌરાષ્ટ્રના ૧૪ ડેમો છલકાતાં એલર્ટ પર
અમદાવાદ, ગુરૃવાર સૌરાષ્ટ્રમાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખાલીખમ પડેલા ડેમો જાણે સજીવન થયાં છે. વરસાદી પાણીથી ડેમોમાં નવી આવકો થઇ છે. એટલું જ નહીં , ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના ૧૪ ડેમો સંપૂર્ણપણે છલકાઇ ગયા છે જેથી આ ડેમો એલર્ટ પર મૂકાયાં છે. અમરેલી, ભાવનગર,બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટના ડેમો ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ભરાઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના ૨૦ ડેમો તો એક જ દિવસમાં ભરાઇ ગયાં હતાં. ચોમાસાના પ્રથમ ધમાકેદાર રાઉન્ડમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની નવી આવકો શરૃ થઇ ગઇ છે. છેલ્લાં ૨૪ કલાકથી સાંબેલાધાર વરસાદે સૌરાષ્ટ્રમાં એવી અતિવૃષ્ટિ સર્જી દીધી છે પરિણામે અમરેલીના ખોડિયાર, રાઇડી , સંકરોલી ,સૂરજવાડા ડેમોમાં તો સંપૂર્ણપણે ભરાઇ જતાં હાઇએલર્ટ પર મૂકાયાં છે. ભાવનગરના છ ડેમોમાં ક્ષમતા સમાન પાણી ભરાઇ જતાં હાઇએલર્ટ જારી કરાયું છે. ગીર સોમનાથમાં હિરણ-૨ અને રાજકોટમાં ભાદર ડેમમાં સંપૂર્ણપણે છલકાઇ જતાં એલર્ટ પર મૂકાયાં છે. વરસાદને કારણે સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતમાં કુલ ૩૫ ડેમોમાં પાણીની નવી આવકો શરૃ થઇ છે પરિણામે ડેમોમાં પાણીની સપાટી વધી છે. બીજી તરફ, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હજુયે ૨૨ ડેમો એવા છેકે, જેમાં માત્ર ૧ ટકાથી ૪ ટકા જેટલું જ પાણી છે. ગુજરાતમાં હજુયે ૫૦થી વધુ ડેમોમાં પાણીનો સંગ્રહ માત્ર ૧૦ ટકાથી ઓછુ છે.
No comments:
Post a Comment